દક્ષિણ ગુજરાત એટલે ગાઢ જંગલોનો પ્રદેશ. અહીં અનેક જાતની ઔષધિય મૂલ્યો ધરાવતી વનસ્પતિઓ, નાના છોડ અને વેલ સ્વરૂપે જોવા મળે છે.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભેંસકાતરી ગામમાં વર્ષોથી અડીખમ ઊભો બહેડા નું ઝાડ આવેલું છે.આં ઝાડ ગામમાં (મધિ બહેડા) નામ થી પ્રખ્યાત છે. જે આશરે લગભગ 200 વરસ જૂનો છે અને 90-100 ફૂટ ઊંચાઈ ધરાવે છે.આં બહેડા વરસોથી પૂર્ણા નદીનુ પુર સહન કરીને પણ અડીખમ ઉભો છે.
આ વૃક્ષ જોવા મોટી સંખ્યામાં ભેંસકાતરી આવતાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ઔષધિય ગુણો ધરાવતા બહેડાનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica અંગ્રેજીમાં Bedda nuts, ગુજરાતીમાં બહેડો, હિન્દીમાં હલ્લા બહેડા, સંસ્કૃતમાં વિભીદક છે. મહુડાના વૃક્ષ જેવા પાન ધરાવતા બહેડાના વૃક્ષના ફુલ તેમજ ફળ, છાલનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. બહેડાના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે. ડાંગ, વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા વિગેરે જિલ્લાઓના જંગલોમાં મહત્તમ જોવા મળે છે.
આપણું દક્ષિણ ગુજરાત ગ્રુપના અમિત રાણા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની ભેંસકાતરી ગામની સરહદે પૂર્ણા નદીને કાંઠે અંદાજીત ૨૦૦ વર્ષ જૂનું ડાંગનું એકમાત્ર બહેડાનું ખૂબ જ પ્રાચીન વૃક્ષ આવેલું છે. આ બહેડાનું વૃક્ષ ખરેખર દુર્લભ વૃક્ષ છે.
બહેડાના અનેકવિધ ઔષધિય ગુણો અંગે ગામના વિનોદ ભાઈ અને પંકજ પટેલ એ વિગતો આપતાં કહ્યું કે, પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વનસ્પતિઓના પાન, ફુલ, છાલ, મૂળ વિગેરે જડીબુટ્ટી તરીકે વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે. વાત, પિત્ત અને કફ ત્રણે દોષો માટે બહેડો ઉત્તમ ઔષધ છે. બહેડાનું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આંખો માટે ઉપયોગી અને કફયુક્ત રોગો માટે ખૂબ સારા ગુણો બહેડામાં રહેલા છે. નાની બદામ આકારના તેના ફળોને ઔષધિય ચૂર્ણ બનાવીને ગામડાના વૈદરાજો ઉપચાર માટે ઉપયોગમાં લે છે. આ ઉપરાંત, વાળ સફેદ થતા રોકવામાં, કંઠ સબંધિત રોગોમાં ઉપયોગી છે. લોહીની ઉણપ દૂર કરવા તથા આંખના મોતિયા માટે પણ બહેડો ગુણકારી નિવડે છે. બહેડો પાચક અને વિરેચક છે. આંખ, નાક, વાળ, હ્રદયરોગ, ડાયાબિટીસ, ડાયેરીયા, ટાઈફોઈડ, સોજો ઉતારવો, નપુસંકતા અને ચામડી સબંધિત રોગો સામે અકસીર જડીબુટ્ટી છે.
એન્વાયરમેન્ટ એન્જિનિયર અમિતભાઈ રાણા એ વધુમાં કહે છે કે, વર્તમાન યુગમાં માનવીએ સુખ-સુવિધાઓ વધારવા માટે જંગલોના વૃક્ષોનો બેફામ ઉપયોગ કરી રહયો છે. જંગલોનું નિકંદન થઈ રહ્યું છે, ત્યારે આવનારી પેઢીના સુખમય ભવિષ્ય માટે વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી છે. વધુમાં વધુ વૃક્ષો વાવી તેને ઉછેરી આપણાં પાંખા થયેલા જંગલોને ગાઢ બનાવી આપણી ધરતીને લીલીછમ બનાવીએ એ જરૂરી હોવાનું અમીત રાણા ભારપૂર્વક જણાવે છે.
આદિવાસી લોકો રવિવાર, મંગળવારે બહેડાના વૃક્ષનું પૂજન કરી પૂર્વ, ઉત્તર દિશામાં મુખ રાખી વૃક્ષના પાન, મૂળની માંગણી કરે છે. ત્યારબાદ પાન, મૂળને લાલ કપડાંમાં વિંટાળીને તિજોરી અથવા ઘરના મંદિરમાં રાખે છે, શ્રદ્ધાપૂર્વક પોતાના આરાધ્ય દેવનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવી આદિવાસી સમાજની આસ્થા પણ જોડાયેલી છે.
No comments:
Post a Comment